તા. ૧૨/૦૧/૨૦૧૭

પ્રાચીન ધર્મો ભલે એવું કહેતા હોય કે જેને ભગવાનમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. પરંતુ આધુનિક ધર્મ તો એમ કહે છે કે જેને પોતાની જાતમાં વિશ્વાસ નથી, તે નાસ્તિક છે.

આવું સ્પષ્ટ વિધાન કરનાર ભારતના મહામનીષી સ્વામી વિવેકાનંદજીની  153મી  જન્મજયંતી તારીખ ૧૨મી જાન્યુઆરી, ૨૦૧૭ ના રોજ અત્રેની રાજયસરકાર સંચાલિત રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં ભવ્ય રીતે ઉજવાઈ હતી.



રામબા કોલેજ અત્યારે જ્યાં વિધ્યમાન છે તે પોરબંદર શહેરના ઘરેણાં સમાન હવા મહેલમાં સ્વામી વિવેકાનંદજીના પાવન પગલાં પડી ચૂક્યા છે. શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જતા પહેલા સ્વામીજી જયારે પોરબંદરમાં પોતાના ગુરુ શ્રી પાસે સંસ્કૃત શીખવા ત્રણ માસ રોકાયા હતા, ત્યારે આ મહેલના હાલના પ્રાર્થનાખંડમાં તેમણે ધ્યાન કર્યું હતું. આવા આ મહાપુરૂષની જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કોલેજની સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
પ્રાર્થના બાદ કોલેજના પ્રાધ્યાપક ડૉ. મીતાબેન થાનકી દ્વ્રારા સરસ્વતિ વંદનાનું ગાન થયું તથા સંસ્થાના પ્રાધ્યાપક ડૉ. રામચંદ્ર મહેતા દ્વ્રારા સ્વામી વિવેકાનંદના જીવનચરીત્રના મુખ્ય અંશો વિશે પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ તાલીમાર્થીઓ રસ તરબોળ થયા હતા. ત્યારબાદ સ્વામીજીની પ્રતિમા પાસે દીપપ્રાગટ્ય તથા પુષ્પાંજલિ કાર્યક્રમ સંસ્થાના યુવા અને ઉત્સાહી  પ્રાચાર્ય શ્રી અલ્તાફસાહેબ રાઠોડની પ્રેરક આગેવાનીમાં યોજાયો હતો તથા કોલેજના બી.એડ અને એમ.એડ. ના તાલીમાર્થીઓ કે જેઓ ભાવિ શિક્ષકો છે તેમના પ્રતિનિધિ તરીકે બે-બે તાલીમાર્થીઓએ પણ સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ તકે સર્વે તાલીમાર્થીઓએ પોતાની જાતમાં શ્રધ્ધા અને વિશ્વાસ  રાખી ભાવિ આદર્શ શિક્ષક તરીકે સમાજને માટે નિષ્ઠાવાન નાગરિકો તૈયાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.   

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top