તા.૨૧ જૂન ૨૦૧૭ - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી
                                             
        યોગ શબ્દ સંસ્કૃત ધાતુ ‘युज़’ પરથી ઉતરી આવેલો શબ્દ છે. જેનો અર્થ થાય છે “જોડાવું” અથવા ‘સમન્વય સાધવો’.આપણો સામાન્ય અનુભવ છે કે આપણું શરીર ઘણી વખત કોઈ કાર્યમાં જોડાય ત્યારે આપણું મન કયાંક બીજે ભટકતું હોય છે.આવી સ્થિતિમાં આપણા કાર્યમાં પ્રાણ પુરાતો નથી.પરિણામે તે કાર્યમાં કુશળતા આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તેથી કોઈ કાર્યને જો કુશળતાપૂર્વક પાર પાડવું હોય તો તેમાં વ્યક્તિનું શરીર,મન અને આત્મા ત્રણેયનો સમન્વય સધાવો જોઈએ.જેને માટે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની અત્યંત સરળ છતાં ગૂઢ વ્યાખ્યા આપતા કહ્યું છે કે ‘યોગ:કર્મેષુ કૌશલમ’ અર્થાત કર્મમાં કુશળતા એ જ યોગ છે.
         આમ પૃથ્વી પરની સમગ્ર મનુષ્યતા પોતાના કર્મો કુશળતાપૂર્વક કરે તે માટે મહર્ષિ પતંજલિ એ પ્રબોધેલો ‘અષ્ટાંગયોગ’ અપનાવવો અત્યંત જરૂરી છે. ભારતભૂમિ તો અત્યંત પ્રાચીન કાળથી યોગની જન્મભૂમી રહી છે. અહીંથી જ પ્રગટેલા યોગદર્શનના પાવક પ્રકાશથી સમગ્ર વિશ્વ આલોકિત અને આંદોલિત થાય તેવા વિશ્વબંધુત્વના અત્યંત ઉમદા આશયથી ભારતના લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રીનરેન્દ્રભાઈ મોદીએ ‘યુનો’ સમક્ષ તા.૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે તેવી દરખાસ્ત મૂકી જેનો ‘યુનો’ દ્વારા સહર્ષ સ્વીકાર થતા ઇ.સ.૨૦૧૫થી આ દિવસને સમગ્ર વિશ્વમાં ‘યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
           આજ રોજ તા.૨૧જૂનને બુધવાર ના રોજ પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સામુહિક ઉજવણી પોરબંદરના દરિયાકિનારે આવેલા હજૂર પેલેસના વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવી. જેમાં પોરબંદરની સરકારી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના સમગ્ર સ્ટાફ અને બીએડ્ તથા એમ.એડ્ના સર્વે તાલીમાર્થીઓ સહીત પોરબંદરની વિવિધ સ્કુલ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાનોના સભ્યો તથા શહેરના જાગૃત નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

                     કાર્યક્રમની શરૂઆત સવારે ૬.૩૦ કલાકે કરવામાં આવી.હજુરપેલેસની પાછળ આવેલા  દરિયાકિનારાના વિશાળ ગ્રાઉન્ડમાં ૧૨ જેટલા બ્લોક્સમાં તમામ યોગાભ્યાસ ઉત્સુક નાગરિકોએ સમયસર પોતાને ફાળવવામાં આવેલી  જગ્યા પર પોતાનું સ્થાન લઇ લીધું. કાર્યક્રમની શરૂઆતમાં માનનીય શ્રીનરેન્દ્રભાઈ મોદીએ વિડીઓક્લિપના માધ્યમથી ભારતીય આર્ષદૃષ્ટા મહર્ષિ પતંજલીએ પ્રબોધેલો ‘અષ્ટાંગયોગદર્શન’નું મહાત્મ્ય સમજાવ્યું.ત્યારબાદ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ યોગદર્શનની સ્વાસ્થ્યવર્ધક અસરો વિશેનું સુંદર માર્ગદર્શન વિડીઓક્લિપના માધ્યમથી આપ્યું.

            ત્યારબાદ બરાબર ૭.૩૦ કલાકે ૪૦ મિનીટનો વિડીઓ સી.ડી. આધરિત યોગાભ્યાસ પ્રાયોગિક કાર્યક્રમ શરુ થયો.આ માટે પ્રત્યેક બ્લોકમાં પોરબંદર પતંજલિ યોગસમિતિના ‘યોગપ્રશિક્ષકો’ના પ્રત્યક્ષ માર્ગદર્શન તળે વિદ્યાર્થીઓ અને તમામ નાગરિકોએ વિવિધ આસનો,પ્રાણાયામ અને ધ્યાનની વિધિમાં સક્રિય હિસ્સો લીધો.

              સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને પતંજલિ યોગસમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.બરાબર ૮.૧૦. કલાકે કાર્યક્રમ પૂર્ણ થયો.અને સૌ નાગરિકો યોગદર્શન ની હકારાત્મક અસરો સાથે છુટા પડ્યા.

0 comments:

Post a Comment

 
R.G.T. College-Porbandar © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top